લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપકઃ સ્વામી રાજર્ષિ મુનિ
આલેખનઃ- રમેશ તન્ના
ભારતમાં સ્વામી રાજર્ષિ મુનિ જેવા ઘણા યોગગુરૂ અને સાધકો છે જેમણે યોગની પ્રતિષ્ઠા વધારી છે. અને એ પણ યોગ વ્યાપક અને પૂર્ણ અર્થમાં.
કોણ છે આ સ્વામી રાજર્ષિ મુનિ ?
ગુજરાતે તેમને ઓળખવા જેવા છે.
કોઈ કાળે ઉચ્ચ અધિકારી રહેલા સ્વામી રાજર્ષિ મુનિ પરમ યોગી અને જીવન-સાધક છે. તેઓ લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઈટમેન્ટ મિશન (લાઈફ મિશન) સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાનનું કાર્ય કરી રહ્યા છે. ૧૯૭૬થી આ સંસ્થા યોગ વિદ્યાલયો ચલાવે છે. સ્વામી રાજર્ષિ મુનિના માર્ગદર્શનમાં અત્યાર સુધી લાખો લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.
આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં યોગ શીખવા માટે એક પણ પૈસો લેવામાં આવતો નથી.
અને હા, સ્વામી રાજર્ષિ મુનિએ ગુજરાતને એક પરમ ભેટ આપી છે. એ ભેટ છે યોગ યુનિવર્સિટીની. ગુજરાતમાં સ્થપાયેલી લકુલીશ યોગ યુનિવર્સિટીના તેઓ પ્રણેતા છે.
***
શિવપુરાણમાં માતા ઉમાજીએ શિવ ભગવાનને હવે પછીના તેમના અવતારો વિશે પૂછ્યું હતું. ભગવાન શિવજીએ સતયુગ, ત્રેતાયુગ અને દ્રાપરયુગ સુધીના પોતાના ૨૭ અવતારો કહ્યા પછી જણાવ્યું હતું કે દ્રાપર અને કળિયુગના સંધિકાળ દરમ્યાન પોતાનો ૨૮મો અવતાર સિદ્ધ ક્ષેત્રમાં થશે. જ્યાં ભગવાન પોતે એક મૃત બાળકની કાયામાં અવરોહણ કરીને અવતાર લેશે. તેથી એ સિદ્ધ ક્ષેત્ર કાયાવરોહણ તરીકે ઓળખાશે. આ ૨૮મા અવતારમાં એ બાળકના હાથમાં લકુટ (કે લકુલ) હશે, દંડ હશે. તેથી એ અવતારનું નામ લકુલીશ હશે. એવું કહેવાય છે કે ભગવાન લકુલીશજી આશરે ૪૫૦૦ વર્ષ પહેલા વડોદરા પાસેના કાયાવરોહણ ગામમાં પ્રગટ થયા.
એમ પણ મનાય છે કે ભગવાન લકુલીશે એકેશ્વરવાદ અને સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે પોતાના ચાર શિષ્યોને ચાર દિશામાં મોકલ્યા. એ વખતે કાયાવરોહણ ગુજરાતનું કાશી ગણાતું. ભારત વર્ષના ખૂણે ખૂણેથી વિદ્વાનો અહીં આવતા અને શાસ્ત્રાર્થ કરતા. એવું માનવામાં આવે છે કે કેટલાક સમય પછી ભગવાન લકુલીશજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય હવે પૂરું થયું છે તેથી તેમણે લીલા સંકેલી લીધી. એ પછી કાળક્રમે લકુલીશ આધ્યાત્મિક પરંપરા લુપ્ત થઈ ગઈ તેમ માનવામાં આવે છે.
૪૫૦૦ વર્ષ પહેલાંની આ આધ્યાત્મિક પરંપરા ૧૯૧૩માં એટલે કે ૧૧૬ વર્ષ પહેલાં ફરીથી પ્રવાહિત થઈ. ૧૯૧૩માં ભગવાન લકુલીશજીએ કોલકત્તા નિવાસી બંકિમબાબુને હરિદ્વાર ખાતે યોગદીક્ષા આપી. તેમનું નામ રખાયું સ્વામી પ્રણવાનંદજી. તેમણે ૧૭ વર્ષની એકાંતિક યોગ સાધના કરી અને ૧૯૩૦માં દેહ છોડ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમના દેહનું શુદ્ધિકરણ કરીને સાક્ષાત્ લકુલીશ ભગવાને તેમાં પરકાયા પ્રવેશ કર્યો હતો. એ પછીથી સ્વામી પ્રણવાનંદજી રૂપે ભગવાન લકુલીશજીએ ૧૯૧૩માં ડભોઈમાં જન્મેલા બાળ સરસ્વતીચંદ્રને, તેમના ૧૯મા વર્ષે મુંબઈમાં યોગદીક્ષા આપી હતી.
એના ૪૦ વર્ષ પછી ૧૯૩૧માં મોરબી જિલ્લાના શાપર ગામમાં જન્મેલા અને આગળ જતાં સરકારના ક્લાસ વન ઓફિસર બનેલા યશવંતસિંહ જાડેજા પોતાના જન્મ દિવસે, મહા વદ નોમના દિવસે સ્વામી કૃપાલ્વાનંદજી પાસે સંન્યસ્તદીક્ષા લે છે અને તેમને નામ મળે છે રાજર્ષિ મુનિ.
આ રાજર્ષિ મુનિ એ જ, જેમને 2019માં ભારત સરકારે ‘પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર’થી નવાજ્યા હતા.
૧૯૭૬માં સ્વામી કૃપાલ્વાનંદજીએ કાયાવરોહણ ગામે ગુજરાતનું સર્વપ્રથમ યોગ વિદ્યાલય શરૂ કર્યું હતું. તેનું નામ અપાયું હતું લકુલીશ યોગ વિદ્યાલય. એ વખતે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં એક યોગ યુનિવર્સિટી હોવી જોઈએ. તેમની એ ઈચ્છા સ્વામી રાજર્ષિ મુનિએ પૂર્ણ કરી. ૨૦૧૩માં ગુજરાત સરકારે લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.
***
સ્વામી રાજર્ષિ મુનિના પૂર્વાશ્રમની વાત પણ રસપ્રદ છે. ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. જોકે તેમનું વતન હતું મોરબીનું શાપર ગામ. દેવીસિંહજી સૌરાષ્ટ્રના પોરબંદર રજવાડાના મહારાજાના સહાયક કેમ્પમાં સેવા આપતા હતા. દેવસિંહજીનો પરિવાર શાપર ગામના જાડેજાના પ્રતિષ્ઠિત પરિવાર હતો. તેમના પરિવારને સમાજ માનની નજરથી જોતો. તેઓ પ્રતિષ્ઠિત સાહિબજીના વંશજ હતા. તેમનાં માતા મોંઘીબા ઝાલાનાં દીકરી હતાં. જેઓ લીમડી રાજ્યના રાજા હતા. તેમના ભાઈ ખેંગારજી કચ્છ રાજ્ય સાથે સંકળાયેલા હતા.
આમ તેઓ રાજવી પરિવારમાંથી આવતા હતા અને તેમણે નાનપણમાં ઘણો વૈભવ ભોગવ્યો હતો. તેમનો પ્રારંભિક ઉછેર માતા-પિતાના માર્ગદર્શનમાં થયો હતો. જ્યાં તેમનો જન્મ થયો એ પોરબંદરમાં બે વર્ષ રહ્યા પછી તેઓ ૧૯૩૩માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ૧૯૩૮માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા. ૧૯૪૬માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.
યુવાન યશવંતસિંહ શાળા જીવનમાં ખૂબ ખીલ્યા હતા. અનેક રમતોમાં તેઓ કુશળ હતા. ક્રિકેટ અને ટેનિસમાં તો તેઓ શ્રેષ્ઠ હતા. આ સમયગાળામાં જ તેમણે પોતાનામાં રહેલા પ્રેમ અને કરૂણાના ગુણો બતાવ્યા હતા. એ પછી તેઓ ભાવનગરની શામળદાસ ગાંધી કોલેજમાં ભણ્યા અને પછી આગળ મુંબઈ ભણવા ગયા.
મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. ૧૯૫૩માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયાર કરી હતી. જોકે ૧૯૫૪માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. ૧૯૫૪થી ૬૨ સુધી તેમણે રાજ્ય સરકારના અધિકારી તરીકે સેવા બજાવી. ગુજરાત સરકાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરકારી અધિકારીઓને તેમણે તાલીમ આપી છે.
આ દરમિયાન જ યોગ સાથે તેમનો નાતો જોડાયો. આગળ જતાં તેઓ યોગી બન્યા. સ્વામી કૃપાલ્વાનંદજી સાથે તેઓ સઘન રીતે જોડાયા. ૨૬મી જૂન, ૧૯૬૯ના રોજ સ્વામી કૃપાલ્વાનંદજીના સાનિધ્યમાં તેમણે મંત્રની શરૂઆત કરી. 26મી જૂન, 2020 ના રોજ એ ઘટનાને બરાબર 51 વર્ષ થયાં. એ પછી તેમણે સતત ૧૫ મહિના સુધી જાપ અને પ્રાણાયામ કર્યા. સ્વામી રાજર્ષિ મુનિએ ૧૯૬૯થી આ સાધનાનો પ્રારંભ કર્યો. એ પછી તો ૨૪-૨૬ નવેમ્બર, ૧૯૭૦ દરમ્યાન તેમણે એક શિબિરમાં સ્વામી કૃપાલ્વાનંદજી પાસેથી શક્તિપાતની દીક્ષા લીધી.
એવું કહેવાય છે કે ધ્યાનના પાંચમા સત્ર સુધીમાં સ્વામી રાજર્ષિ મુનિએ કુંડલિની જાગૃત કરી હતી. તેમણે આ વિશે પછીથી લખ્યું હતું કે ‘આમ શક્તિપાતના એક અઠવાડિયામાં હું કુંડલિની નજીક આવ્યો. આ અસાધારણ પ્રગતિ માત્ર ગુરૂ દેવીશક્તિની કૃપાના લીધે જ શક્ય બન્યું હતું. જે સાધુ ગુરૂકૃપા પામે છે તે સાધુઓ જ કુંડલિની જાગૃત કરી શકે છે.’
૧૧મી ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ તેમણે પોતાનું ઘર છોડી દીધું. થોડો સમય મલાવ રહ્યા. એ પછી સ્વામી કૃપાલ્વાનંદજી સાથે કાયાવરોહણ ગયા. તેમના જન્મ દિવસે 13મી ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ તેમનો સન્યાસ શરૂ થયો અને તેમને નવું નામ મળ્યું સ્વામી રાજર્ષિ મુનિ.
સ્વામી રાજર્ષિ મુનિએ સાધનાના માર્ગે ખૂબ પ્રગતિ કરી. એ સાથે સાથે તેમણે સંસ્થાને વૈશ્વિક વ્યાપ આપ્યો અને પ્રતિષ્ઠા પણ અપાવી. લકુલીશ આધ્યાત્મિક પરંપરાને તેમણે સમગ્ર વિશ્વમાં ઓળખ આપી છે. એવું કહેવામાં આવે છે કે ખેચરીમુદ્રામાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સ્વામી રાજર્ષિ મુનિને ૨૨ વર્ષની સાધના પછી ગેબી વાણી સંભળાઈ હતીઃ “રાજર્ષિ, તારા જન્મદિવસે હું અવશ્ય આવીશ. તું એકાંતિક સાધનામાં રત રહેજે.” એવું કહેવાય છે કે એ પછી સ્વામી રાજર્ષિ મુનિના જન્મ દિવસે તેમને ભગવાન લકુલીશજીનાં સાક્ષાત્ દર્શન થયાં હતાં. ૪૫ મિનિટ સુધી એ દર્શન ચાલ્યું હતું.
સ્વામી રાજર્ષિ મુનિએ ‘મારી ગુરૂ પરંપરા’ પુસ્તકમાં તેની વિગતવાર વાત કરી છે. એ પછી બીજી વખત પણ તેમને ભગવાન લકુલીશજીના દર્શન થયાં હોવાનું કહેવાય છે. એ વખતે ૧૫ મિનિટનો વાર્તાલાપ થયો હતો અને ભગવાને તેમને યોગનાં બે નિગૂઢ પ્રતિકો, માતૃલિંગ અને રુદ્રદંડ આપ્યાં હતાં.
૧૯૯૬માં તેમણે લાઈફ મિશન સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને જમાવવા માટે તેમણે ખૂબ જહેમત કરી. પૂર્વાશ્રમમાં સોના-ચાંદીના ઘૂઘરે રમેલા અને ગાડી સિવાય ક્યારેય પગ નીચે ના મૂકેલા સ્વામી રાજર્ષિ મુનિ દેશના ગામે ગામ ફર્યા. તેમણે સંસ્કાર કેન્દ્રોની સ્થાપના કરી. એ પછી તેમણે ૨૦૦૭માં જાખણ ગામમાં શ્રી રાજરાજેશ્વરધામ ત્રિદેવ મંદિરની સ્થાપના કરી. આ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક સાથે બિરાજે છે.
તેમણે અનેક આશ્રમો સ્થાપ્યા. મલાવ, કાયાવરોહણ, જાખણ, કંજેઠા, અશા, વઘાસિયા, ભેલા, નોર્થ કેરોલિના (અમેરિકા)માં આશ્રમો સ્થપાયા છે. હરિદ્વારમાં ભવ્ય ‘ભગવાન લકુલીશ યોગાશ્રમ’નું નિર્માણ થઈ રહ્યું છે.
૧૯૭૬માં ગુરૂ સ્વામી કૃપાલ્વાનંદજીએ જોયેલું સ્વપ્ન પટ્ટશિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ ૨૦૧૩માં પૂરું કર્યું. અમદાવાદમાં એસ.જી. હાઈવે પર લોટસ વ્યુ સ્વરૂપે ઊભેલી ગૌરવવંતી લકુલીશ યોગ યુનિવર્સિટીની તેમણે સ્થાપના કરી. આ સંસ્થામાં અષ્ટાંગયોગના પદવી અભ્યાસક્રમ ઉપરાંત કર્મ, જ્ઞાન અને ભક્તિયોગનનું પણ શિક્ષણ અપાય છે.
લકુલીશ અધ્યાત્મ પરંપરા ચમત્કારોમાં નહીં, પરંતુ સાક્ષાત્કારમાં માને છે. સ્વામી રાજર્ષિ મુનિ વિશ્વ સમક્ષ ભારતીય અધ્યાત્મ જ્ઞાનના વારસાને ખૂલ્લો કરવા માંગે છે. આ પરંપરા ફક્ત ભૌતિક સુખ-સગવડોને મહત્ત્વ ન આપતાં, આત્માને આ જડ પદાર્થોની મોહમાયામાંથી મૂક્ત કરવાનું સૂચવે છે.
સ્વામી રાજર્ષિ મુનિએ યોગને સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા અપાવી છે. તેઓ જીવન યોગને વરેલા છે. ભારતીય સંસ્કૃતિની પરંપરાને તેઓ જાણે છે. યોગ એટલે માત્ર કેટલાંક આસનો એવી સીમિત અને સંકુચિત ઓળખ અહીં અભિપ્રેત નથી. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ આ બધુ મળીને જીવન યોગ થાય છે. સ્વામી રાજર્ષિ મુનિ ખૂબ મોટા વિદ્વાન છે અને જીવનના પરમ સાધક પણ છે. આવો સમન્વય ઘણી ઓછી વ્યક્તિમાં થતો હોય છે. એ પણ એક સુયોગ છે. અત્યારે તેમને 90મું વર્ષ ચાલી રહ્યું છે. હજી તેઓ સક્રિય છે. ‘સાધુ તો ચલતા ભલા’ પ્રમાણે સ્વામી રાજર્ષિ મુનિ વારાફરતી રાજરાજેશ્વરધામ જાખણ, કાયાવરોહણ અને મલાવના આશ્રમોમાં નિવાસ કરતા રહે છે.
ગુજરાતે સ્વામી રાજર્ષિ મુનિને ઓળખવા જેવા છે. તેમના રસ્તે ચાલવા જેવું છે.✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽🙏🙏
LAKULISH INTERNATIONAL FELLOWSHIP ENLIGHTENMENT MISSION (💐LIFE MISSION💐 )
💐🙏JAY BHAGWAN 💐🙏
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽🙏💐
.
Lakulish Yoga
Lakulish Yoga University
Lakulish Yog
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો