રાજ્ય સરકાર દ્વારા આવનારા વર્ષોમાં ધોરણ 1 થી 8માં NCERTના અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે. જેને ધ્યાને લઇને સૌ પ્રથમ ધોરણ 1 અને ધોરણ 2માં NCERTનાં અભ્યાસક્રમને દાખલ કરવામાં આવશે. અત્યારે હાલ ધોરણ 1 અને ધોરણ 2મા અભ્યાસક્રમને સરળ અને રસાળ બનાવવા શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સેતુ રૂપ બનતા પ્રજ્ઞા અભિગમ વર્ષ 2010-11થી અમલમાં છે. NCERTના નવા અભ્યાસક્રમ મુજબ પ્રજ્ઞા અભિગમનાં સાહિત્યને તૈયાર કરી, શિક્ષકોને તાલીમબદ્ધ કરી,
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં NCERTના અભ્યાસક્રમ મુજબનાં પ્રજ્ઞા અભિગમનાં સાહિત્યનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.
વર્ષ 2010-2011માં પ્રાયોગિક ધોરણે શરુ કરેલા ‘પ્રજ્ઞા’ પ્રોજેક્ટને સફળતા મળતા દર વર્ષે તેનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જે અતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ 2017-2018માં રાજ્યની 23000 શાળાઓમાં ધોરણ 1 અને 2માં, 22000 શાળાઓમાં ધોરણ 3 અને 4માં અને 1300 શાળાઓમાં ધોરણ 5 માં પ્રજ્ઞા અભિગમ મુજબનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞા અભિગમની સફળતાને ધ્યાને લઇ આખા રાજ્યમાં એકસૂત્રતા જળવાય તેમાટે આગામી વર્ષ 2018-2019માં રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 1-2 માં પ્રજ્ઞા અભિગમને અમલમાં મૂકવામાં આવશે.
આગામી દિવસોમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓએ ભારતના નહિ પરતું વિશ્વના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ઉતારવાનું છે. ત્યારે તેનું મજબૂત ઘડતર પ્રાથમિક શાળામાંથી થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આવાનારા નવા સત્રથી ધોરણ 1 થી 8મા NCERT મુજબના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો અમલમાં મુકવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર ધોરણ 1 અને 2 માં NCERTના અભ્યાસક્રમ પ્રમાણેનું નવેસરથી પ્રજ્ઞા સાહિત્ય તૈયાર કર્યું છે. આ નવા તૈયાર થયેલા પ્રજ્ઞા સાહિત્યના અસરકારક અમલ માટે રાજ્યના ધોરણ 1 અને 2 નાં શિક્ષકોને તાલીમબધ્ધ કરી એક સાથે અમલમાં મુકવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ધોરણ 3 થી 5માં NCERTનાં પાઠ્યપુસ્તકોનો અમલ કરાશે.
જ્યારે પણ પ્રાથમિક શિક્ષણની વાત આવે ત્યારે બંધ ઓરડાની અંદર આખા વિશ્વની સામાન્ય સમજ કુમળા માનસ પર અંકિત કરવાની કળા. શિક્ષણનો અર્થ માત્ર ભણતર, લેખન કે વાંચન નહિ, એથી આગળ એટલે કે જીવનની કોઈપણ સમસ્યાને પોતાની કુશાગ્ર બુદ્ધિથી ઉકેલી જીવન જીવવાની રીત. આમ આ સિદ્ધાંતને આત્મસાત કરવા ગુજરાતની પ્રગતિશીલ સરકાર કટીબધ્ધ છે. વર્ષ 2010-11 માં ગુજરાતની 258 શાળાઓમાં ધોરણ 1 અને 2 માં ‘પ્રજ્ઞા’ અભિગમનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞા અભિગમને કારણે બાળકોમાં બુદ્ધિ, સમજણ અને શાણપણ નો સમન્વય થયો છે. વર્ગ ખંડમાં શિક્ષક અને બાળકો વચ્ચે સમજણનો સેતુ બંધાયો છે. પરપરાગત પરિણામલક્ષી ભણતરની સાથે વિકાસાત્મક સમજણનો સુભગ સમન્વય પરસ્પર સર્જાયો છે. બ્લેક બોર્ડ ચોક કે ડસ્ટરને બાજુએ મૂકી સામુહિક પ્રવૃત્તિમાં શિક્ષક અને વિદ્યાર્થી જોડાય છે. દર ત્રણ વર્ષે એકવાર રાજ્ય સરકાર દ્વારા યુનિટ દીઠ શિક્ષક આવૃત્તિ, અભ્યાસ કાર્ડ, છાબડી-ગ્રુપ ચાર્ટ અને લેડર જેવું સાહિત્ય પૂરું પાડવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સાયુજ્ય સધાય છે. જેથી વર્ગ ખંડમાં કેળવણી અને તાલીમની સાથે સમજણનો સેતુ બંધાય છે. જેના કારણે બાળકોને ભણતરનો ભાર લાગતો નથી અને રમતા રમતા જ્ઞાન મેળવે છે.
આમ ગુજરાતનાં વિદ્યાથીઓ વૈશ્વિક કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરશે તો નવાઈ નહિ.
સૌજન્ય :
Khabarche. com
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો